લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડથી ડૉ. હિમાંશુ પટેલનું સન્માન

ગુજરાત રાજ્યમાં અનેકવિધ ક્ષેત્રે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરી રાષ્ટ્રીય અને સામાજિક પ્રગતિ માટે નોંધપાત્ર યોગદાન આપનાર રાજકીય અને સહકારી આગેવાન ડૉ. હિમાંશુ પટેલને લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત રત્ન પબ્લિસિંગ હાઉસ, નવી દિલ્હી દ્વારા ડૉ. હિમાંશુ પટેલે યુવા વયથી જ શૈક્ષણિક, રાજકીય, સામાજિક વિકાસ અને કાયદાકીય ક્ષેત્રે નિઃસ્વાર્થભાવે આપેલી સેવાઓને બિરદાવી આ સન્માન આપવામાં આવ્યું છે.

સંશોધન ક્ષેત્રે વૈશ્વિક નામના ધરાવતી ભારત રત્ન પબ્લિસિંગ હાઉસ, નવી દિલ્હી દ્વારા પ્રતિષ્ઠાભર્યા લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા રાજકીય, સામાજિક, વિકાસ ઈન્ડસ્ટ્રીઝ, કોમર્સ, લૉ, શિક્ષણ, સિનેમા, આર્કિટેક્ચર, ઍન્જિનિયરિંગ, મૅડિસિન, ડ્રામા ક્ષેત્રે અભુતપૂર્વ કામગીરી કરનાર ભાઈ – બહેનોને આ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એક ખાસ ટીમ દ્વારા સમગ્ર દેશમાં સર્વે કરાવી કુલ ૮૨ પ્રતિભાશાળી વ્યક્તિઓની આ ઍવોર્ડ માટે પસંદગી કરવામા આવી છે.
ભારત રત્ન પબ્લિસિંગ હાઉસ, નવી દિલ્હીના જનરલ સેક્રેટરી આર.કે.ચૌહાણ તેમજ એડીટર એન્ડ પબ્લિશર અજય ઠાકુરે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય અને સામાજિક વિકાસ માટે કોઈ સ્વાર્થ વિના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું આ ઍવોર્ડથી સન્માન કરવામાં આવે છે જેમાં ગુજરાત રાજ્યમાં અનેકવિધ ક્ષેત્રોમાં યુવા વયથી જ શ્રેષ્ઠ પ્રદાન કરનાર જાણીતા રાજકીય અને સહકારી આગેવાન, ઍડવૉકૅટ ડૉ. હિમાંશ પટેલનું લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગર નાગરિક કો. ઑપ. બેંકના પૂર્વ ચૅરમેન અને ડિરૅક્ટર ડૉ. હિમાંશુ પટેલ ૧૯૮૫થી ગુજરાત યુનિવર્સિટીના સૅનેટ અને સિન્ડિકેટ મેમ્બર તરીકે કાર્યરત રહી વિદ્યાર્થીઓ અને યુવાનોનાં હિતમાં સક્રિય યોગદાન આપી રહ્યાં છે. ઍડવૉકેટ ડૉ. હિમાંશુ પટેલે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલી દાંડી યાત્રા, જંગ – એ – આઝાદી પદયાત્રામાં જાેડાઈ યુવાનોમાં રાષ્ટ્ર પ્રેમની જ્યોત પ્રગટાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલ સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી તેમજ અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય (સમસ્ત પાટીદાર) મહાસભાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રાજકીય, સામાજિક, શિક્ષણ અને કાયદાકીય ક્ષેત્રમાં ખાસ કરીને યુવાનો, મહિલાઓ તેમજ જરૂરિયાતમંદોના ઉત્થાન માટે નિષ્ઠાથી પ્રેરણારૂપ યોગદાન આપી રહ્યાં છે.