અમદાવાદ સિવિલમાં જ વર્ષે ૨૨૦૦ બાળકો મરતાં હોય તો રાજ્યની સ્થિતિ ધ્રુજારી પૂર્ણઃ કોંગ્રેસ

તબીબી શિક્ષણથી લઈ આરોગ્ય સેવામાં ખુલ્લે વેપલો કરનાર ભાજપ સરકાર યુપી્ની યોગી નીતિ અપનાવી ભોગી બની છેઃ ડૉ. હિમાંશુ પટેલ

અમદાવાદ, તા. ૩૦

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ રોજનાં ૬ બાળકો મોતનાં મુખમાં ધકેલાતાં હોવાનો બેશરમીથી એકરાર કરનાર ભાજપ સરકારની આરોગ્ય સેવામાં પણ ખૂલ્લેઆમ વેપલો કરવાની નીતિરીતિનું આ પરિણામ હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, તબીબી શિક્ષણથી લઈ આરોગ્ય ક્ષેત્રે તમામ સ્તરે ઉઘાડી લૂંટ ચલાવનાર ગુજરાતની ભાજપ સરકાર યુપીની યોગીનીતિ અપનાવી ભોગી બની છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તાં ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, માત્ર સત્તાની સારવાર અને સેવા માટે ઈશ્વરનાં સ્વરૂપ એવાં નવજાત શિશુઓનાં મોતને પણ ગંભીરતાથી નહીં લેનાર ભાજપ સરકારના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને એક મિનિટ પણ સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. ભાજપ સરકારનાં શરમજનક એકરાર પ્રમાણે જો અમદાવાદ સિવિલમાં વર્ષ દરમિયાન ૨૨૦૦ બાળકો અકાળે મોતને ભેટતાં હોય તો સમગ્ર રાજ્યની સરકાર હોસ્પિટલોનાં આંકડાની તો કલ્પના કરવાથી પણ હૃદય હચમચી જાય તેમ છે. કોઈ આતંકી ઘટનાથી પણ વધુ ક્રુર એવી આ બાબતે રાજ્યમાં બાળ મૃત્યુ દરનાં આંકડાઓને પણ ‘ફેંકુ’ સાબિત કર્યાં છે. વાસ્તવમાં વાત્સલ્યથી લઈ અનેકવિધ યોજનાઓની ઓન પેપર જાહેરાત કરી ઉઘાડી લૂંટ ચલાવતી આ કસાઈ સરકારે માસૂમ બાળકોને મોતનાં મુખમાં ધકેલી માતાઓને ખિલખિલાટ કરવાનાં બદલે સમગ્ર જીવનનું હાસ્ય છીનવી લીધું છે.

ભાજપ સરકારે છેલ્લા બે દશકામાં તબીબી શિક્ષણમાં રૂપિયા ૬ થી ૧૨ લાખ સુધીની ફી કરવા સાથે કરોડો રૂપિયાનું ડોનેશન આપવું પડે તેવી ખુલ્લા બજારની નીતિ અપનાવી છે. મેડીકલ માફિયાઓને કોલેજોની લ્હાણી સાથે ગેરકાયદે પ્રવેશ અપાવવામાં છડેચોક મદદ કરતી ભાજપ સરકારનાં રાજમાં મોટાભાગનાં ગામડાઓમાં તબીબો જ નથી. જો અમદાવાદ સિવિલમાં જ ઈન્ટર્નન કે જુનિયર ડૉક્ટરોથી ચલાવવું પડતું હોય તો ગામડાંઓમાં આરોગ્ય સેવાની સ્થિતિ ધ્રુજાવી દે તેવી છે. મહાનગરોમાં પણ કરોડો રૂપિયાનાં અદ્યતન સાધનો નિષ્ણાંતોનાં અભાવે ધૂળ ખાઈ રહ્યાં છે. પરંતુ મેડીકલ ટુરીઝમના નામે કેટલાંક ઉદ્યોગપતિઓ અને મળતીયાઓને મેડીકલ કોલેજોથી લઈ હોસ્પિટલોની સેવાઓ વેચી મારનાર ભાજપ સરકારને સત્તાની લ્હાયમાં માસૂમ બાળકોનાં મોતનો અફસોસ નથી. તેનો રાજ્યની લાખો માતાઓ જવાબ આપશે.

ડૉ. હિમાંશુ પટેલ

પ્રવક્તા,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ