વડીલોને બોજરૂપ ગણતી ભાજપે વીમાનાં પ્રિમિયમ ઉપર ટેક્ષ ઝીંકી વડીલોનું જીવન દુષ્કર બનાવ્યું

નિવૃત્તિ પછી વડીલોનાં જીવનને સરળ – ખુશીભર્યું બનાવવાનાં બદલે ભાજપ સરકારે ૧૮ ટકા સુધી ટેક્ષ નાંખી અપમાન કર્યું છેઃ ડૉ. હિમાંશુ પટેલ

તા. ૨૫/૧૦/૨૦૧૭

ભાજપ સરકારે છેલ્લાં ત્રણ વર્ષથી એલઆઈસી તેમજ અન્ય ૩૨ ખાનગી કંપનીઓમાં પોલીસીના પ્રિમિયમ ઉપર અન્ય ટેક્ષ ઉપરાંત ૧૮ ટકા જીએસટી નાંખી વડીલોનું નિવૃત્ત જીવન દુષ્કર બનાવી દીધું હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે વડીલ વંદના કરવાનાં બદલે વડીલોને બોજ સમજી રહેલી ભાજપ સરકારનાં બોજને જ દૂર કરવા અપીલ કરી છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં ત્યારથી રાજકારણ સહિત દરેક ક્ષેત્રમાં વડીલોને બોજ સમજી જાણે નેસ્તનાબૂદ કરી રહ્યાં છે. જેમ કે, એલઆઈસી તા. ૧-૯-૫૬થી અસ્તિત્વમાં આવી ત્યારથી પોલીસી કે પ્રિમિયમ ઉપર કોઈ ટેક્ષ લેવામાં આવતો નહોતો. પરંતુ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી એલઆઈસી અને અન્ય ૩૨ ખાનગી કંપનીઓ ઉપર ટેક્ષ ઝીંકવામાં આવ્યો છે. જેમાં સામાજિક ઉત્કર્ષ, લોકભાગીદારી અને દાનનાં નામે આવી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરતી ભાજપ સરકારે એલઆઈસી પોલીસીનાં પ્રિમિયમ ઉપર ૩.૭૫ ટકા ડ્યુટી નાંખી છે. જે જીએસટી પછી ૪.૫ ટકા થઈ છે. જ્યારે અનેક પોલીસીઓના પ્રિમિયમ ઉપર ૧૮ ટકા જીએસટી લગાવ્યો. જેનાં પરિણામે પવર્ષે – દહાડે ૫૦૦ કરોડનું પ્રિમિયમ ભરતાં લાખો વડીલો અને અન્ય સામાન્ય પ્રજાજનો ઉપર કરોડો રૂપિયાનો ટેક્ષનો વધારાનો બોજ પડ્યો છે.

રાજ્યનાં વડીલો નિવૃત્તિ પછી તેમજ પોતાનાં અને પરિવારનાં ભવિષ્ય માટે પેન્શન સહિત અન્ય આવક ઉભી કરવા આ પ્રકારનું રોકાણ કરતાં હોય છે. પોતાની આવકમાંથી આવી બચત કરી તેને આજીવિકાનું સાધન બનાવવા સાથે નાનાં – મોટાં અવસરો પાર પાડતાં હોય છે. આ ઉપરાંત ઘણાં વડીલોને ખાનગી કંપનીઓમાં નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી ત્યારે આવી બચત ઉપર ભાજપ સરકારે ટેક્ષ ઠોકી બેસાડતાં પરસેવાની કમાણીનાં હજારો રૂપિયા ટેક્ષનાં નામે ખવાઈ જાય છે. જેનાં કારણે ભાજપ સરકારે વડીલોને બોજરૂપ સમજી તેમનું નિવૃત્ત જીવન સરળ અને ખુશીભર્યું બનાવવાનાં બદલે દુષ્કર કરી દીધું છે. આ સંજોગોમાં દરેકવડીલો અને તેમનાં પરિવારજનોનેઆ નીતિરીતિને યાદ રાખી ભાજપ સરકારને જ બોજરૂપ ગણી દૂર કરવા અપીલ કરી છે.

ડૉ. હિમાંશુ પટેલ

પ્રવક્તા,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ