નરેન્દ્ર મોદીએ વિકાસ કર્યો હોય તો ગુજરાતમાં ૨૭૧૮ ખેડૂતોએ આત્મહત્યા કેમ કરી ? કોંગ્રેસ

ખેડૂતોની સરેરાશ આવકમાં ૧૨માં ક્રમે રહેલાં ગુજરાતમાં ૪૨.૬ ટકા ખેડૂતોને ૧૬.૭૪ લાખનું દેવું છે છતાં ટેકાનાં ભાવ પણ મળતાં નથીઃ ડૉ. હિમાંશુ પટેલ

અમદાવાદ, તા. ૧૭

વિકાસ અને સુજલામ્ સુફલામની વાતો કરતા નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં છેલ્લાં બે દશકા દરમિયાન વિકાસ કર્યો હોત તો ભાજપનાં શાસનમાં ૨૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો ના હોત એમ જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ઉમેર્યું છે કે, ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં દેશમાં ૧૨મો ક્રમ ધરાવતાં ગુજરાતમાં ખેડૂતોની માત્ર રૂ. ૭૯૨૬ માસિક આવક સામે ૪૨.૬ ટકા ખેડૂતોને પરિવાર દીઠ રૂપિયા ૧૬.૭૪ લાખનું દેવું છે.

કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનાં કરેલાં પોકળ દાવાને પરંપરાગત જુઠ્ઠાણાં ગણાવતાં જણાવ્યું છે કે, જો નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસ કર્યો હોત તો ૨૭૧૮ ખેડૂતોએ આપઘાત કર્યા ના હોત... ક્રાંતિ નામની સંસ્થાને રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકે આર.ટી.આઈ.માં આપેલી વિગતો પ્રમાણે તા. ૧-૧-૨૦૦૩થી તા. ૩૦-૧૦-૨૦૦૭ દરમિયાન રાજ્યનાં ૨૪૭૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે તા. ૧-૧-૨૦૦૮થી તા. ૧૮-૮-૨૦૧૨ દરમિયાન ૧૫૨ અને તા. ૧-૧-૨૦૧૩ થી તા. ૧-૬-૨૦૧૬ દરમિયાન ૮૭ ખેડૂતોએ ભાજપ સરકારની ખેડૂત અને કૃષિ વિરોધી નીતિનાં કારણે આર્થિક ભીંસમાં જીવનલીલા સંકેલવી પડી છે. જો મોદી શાસનમાં વિકાસ જ થયો હોત તો ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર રૂ. ૭૯૨૬ જ કેમ છે ? ભારત સરકારનાં જ રીપોર્ટ પ્રમાણે ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં ૧૨મો ક્રમ ધરાવતા ગુજરાતની સામે પંજાબ (રૂ. ૧૮૦૫૯), હરિયાણા(રૂ. ૧૪૪૩૪), અરૂણાચલ (રૂ. ૧૦૮૬૯), કેરળ (રૂ. ૧૧,૮૮૮) અને કર્ણાટક (રૂ. ૮૮૩૨) ઘણાં જ આગળ છે.

ખેડૂતો મારૂતિ ફેરવશે અને નળમાં તેલ આવશે એવી ગુલબાંગો હાંકનાર મોદી શાસનમાં જ ગુજરાતનાં ૪૨.૬ ટકા ખેડૂતોમાં પરિવારદીઠ રૂ. ૧૬.૭૪ લાખનું દેવું છે. જેમાં એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં પરિવારનાં માથે સરેરાશ દેવું રૂ. ૪૩,૬૦૦ છે. તો બે થી ચાર હેક્ટર જમીનવાળાં પરિવારનાં માથે સરેરાશ રૂ. ૮૨,૬૦૦ અને ૧૦ હેક્ટરથી ઓછી જમીનવાળાં પરિવારને તો સરેરાશ રૂ. ૧,૬૨,૪૦૦નું દેવું છે. લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં બણગાં ફૂંકનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી છેલ્લાં બે વર્ષમાં ગુજરાતનાં ખેડૂતોની કુલ આવકમાં રૂ. ૩૩૪૫ કરોડનો ઘટાડો થયો છે. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને પાક તૈયાર કરવાનાં કુલ ખર્ચ ઉપરાંત ૫૦ ટકા નફા સાથે ટેકાનો ભાવ આપવાનું જણાવનાર નરેન્દ્ર મોદીએ આ પ્રમાણે ટેકાનાં ભાવ વધાર્યા હોત તો એકાદ રાજ્યનું પણ ઉદાહરણ બતાવે... સુજલામ્ સુફલામ યોજના અને તાડપત્રીમાં થયેલા ભ્રષ્ટાચારનાં અહેવાલ પણ વિધાનસભામાં નહીં મુકવા દેનાર વડાપ્રધાન પોતે જ જાણે છે કે, સુજલામ્ સુફલામ યોજનાથી ખેડૂતોને કે મળતીયાઓને કેટલો લાભ થયો છે.

ડૉ. હિમાંશુ પટેલ

પ્રવક્તા,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ