ભાજપનાં શાસનમાં વિકાસનાં નામે અંધારું, રાજ્યમાં ૯,૮૩,૮૧૩ ઘરોમાં વિજળી નથી, કેરોસીનનાં દિવાથી અજવાળું !

૩.૫૦ લાખ ખેડૂતો ખેતમજૂર થયા, સાક્ષરતાદર ઘટ્યો, શૈક્ષણિક પછાત જિલ્લા વધ્યાં, પાટનગરમાં જ ટ્રેન નહીંને બુલેટ વિકાસની વાતઃ ડૉ. હિમાંશુ પટેલ

અમદાવાદ, તા. ૧૨

ગુજરાતમાં ‘ખુરશી’ બચાવવા માટે હવાતીયાં મારી રહેલાં ભાજપ સરકારનાં દરેક મંત્રી – ધારાસભ્યો સામે તમામ વર્ગ દ્વારા ખુરશી ઉછાળી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે બે દશકાથી વિકાસના નામે પ્રજાનાં પૈસે તાયફા કરતી ભાજપ સરકારમાં આજે પણ રાજ્યનાં ૯,૮૩,૮૧૩ ઘરોમાં વિજળી નહીં હોવાથી કેરોસીનનાં ફાનસ – દીવાથી અજવાળું દૂર કરવું પડે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વિકાસનાં નામે શો બાજીથી હવે વાસ્તવમાં જમીન ઉપર આવી ગયેલી ભાજપ સરકારે ગુજરાતમાં પ્રતિ લાખ વ્યક્તિએ સરેરાશ૩૦૧.૬૦ કિમી લંબાઈનાં રોડ જ બનાવ્યાં છે. જે ભારતની સરેરાશ ૩૭૭.૬૦ કિમી લંબાઈ સામે ઘણાં ઓછા છે. તેમણે રાજ્ય સરકારનાં જ સ્ટેટિસ્ટિકલ આઉટલાઈન ગુજરાત સ્ટેટ અને એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટમાંથી વિગતો આપતાં જણાવ્યું છે કે, બુલેટ ટ્રેનને દેવાદાર તાયફો કરનાર મોદીથી રૂપાણી સરકાર ગુજરાતનાં પાટનગરનાં રેલવે સ્ટેશનેથી જ અન્ય રાજ્યોનાં પાટનગરને જોડતી ટ્રેન સેવા ઉપલબ્ધ કરી શકી નથી. જેમાં એલ. કે. અડવાણી સાંસદથી લઈ નાયબ વડાપ્રધાન રહ્યા હોવા છતાં ગાંધીનગરમાં પાટા ઉપર ટ્રેન દોડતી નથી અને ફાઈવ સ્ટાર હોટલથી છુક... છુક... વિકાસ કરાશે.

ગુજરાતમાં આજે પણ ૧,૨૧,૮૧,૭૧૮ ઘરોમાંથી ૯,૮૩,૮૧૩ ઘરોમાં વિજળી વિના કેરોસીનનાં ઉપયોગથી અડવાળું થાય છે. તેને વિકાસ કહો છો ? રાજ્યનાં ૨૨,૮૧,૫૪૨ ઘરોમાં મનોરંજન માટે રેડીયો, ટીવી, કમ્પ્યુટર, લેપટોપ કે ટેલીફોન નથી. એ જ રીતે તે ઘરોમાં પોતાની સાયકલ કે કાર – જીપ નથી. રાજ્યનાં ૩.૫૦ લાખ ખેડૂતો પોતાની જમીન વેચી ખેતમજૂરો બની ગયા. આદિવાસીઓ માટે મગરનાં આસું સારતી આ સરકારમાં ભારતનાં અતિપછાત ૨૦ જિલ્લામાં ડાંગનો પણ સમાવેશ થયો છે. ગુજરાતનો સાક્ષરતા દર ૨૦૦૧માં ૧૬માં ક્રમે હતો. તે ૨૦૧૧માં ૧૭માં ક્રમે મોદી શાસનમાં જ થઈ ગયો ! રાજ્યનાં ૮ જિલ્લાઓમાં સાક્ષરતા દર ૭૩ ટકાથી પણ ઓછો રહેતાં આ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત થઈ ગયા છે. એ જરીતે મહિલા લિંગ પ્રમાણમાં ૨૦૦૧માં ૯૧૯નું રહેલું પ્રમાણ ઘટીને ૨૦૧૧માં ૯૧૮ થઈ ગયું છે. જેમાં બિહાર અને જમ્મુ-કાશ્મીર બાદ માત્ર ગુજરાતમાં જ આ પ્રમાણ ઘટ્યું છે. આ વાસ્તવિક્તા હવે ભાજપ સરકારને પણ સમજાઈ હોવાથી ભાજપી નેતાઓ બેબાકળા બન્યા છે પણ પ્રજા ચૂંટણીમાં જોરદાર જવાબ આપશે તે નક્કી છે.

ડૉ. હિમાંશુ પટેલ

પ્રવક્તા,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ