પેટ્રોલ – ડિઢલમાં ૪ ટકા વેટ ઘટાડો ગુજરાતની પ્રજાની મશ્કરીઃ કોંગ્રેસ

કોંગ્રેસ સત્તા ઉપર આવશેતો પેટ્રોલ – ડિઝલમાં વેટ સંપૂર્ણ નાબુદ કરશેઃ ડૉ. હિમાંશુ પટેલ

અમદાવાદ, તા. ૧૦

ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ ઉપર વેટમાં માત્ર ૪ ટકાનો ઘટાડો કરી ભાજપ સરકારે રાજ્યનાં દરેક વર્ગનાં નાગરિકોની ક્રુર મશ્કરી કરી હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જાહેરાત કરી છે કે, કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો પેટ્રોલ – ડિઝલ ઉપરથી વેટ સંપૂર્ણપણે નાબુદ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારે આગામી ચૂંટણીમાં પરાજય નિશ્ચિત જણાતાં પ્રજાને ગુમરાહ કરતી લ્હાણી શરૂ કરી છે. ભાજપ સરકારે પેટ્રોલમાં રૂ. ૨.૯૩ તથા ડિઝલમાં રૂ. ૨.૭૨ પૈસાનાં કરેલા ઘટાડાને દિવાળીની ભેટ કહી સમગ્ર રાજ્યનાં લોકોની ક્રુર મશ્કરી કરી છે. વાસ્તવમાં કુલ ૪૫ ટકા ટેક્ષમાંથી માત્ર ૪ ટકા વેટ ઘટાડો એ લોલીપોપ જ છે. એ જ રીતે પેટ્રોલ – ડિઝલમાં ૪ ટકા વેટ ઘટાડવાથી સરકારની ૨૩૧૬ કરોડ આવક ઘટવાની વાત પણ મગરનાં આસું સારવા જેવી વાત છે.

પેટ્રોલ –ડિઝલ તથા સીએનજી અને અન્ય ઈંધણ ઉપર અસહ્ય ટેક્સ ઠોકી બેસાડીને ભાજપ સરકારે ઉઘાડી લૂંટ જ ચલાવી છે. જેમાં આ ટેક્સની કરોડો રૂપિયાની આવકમાંથી જ ભાજપ સરકાર દ્વારા ઉત્સવ – મેળાઓ અને અન્ય ઉજવણીના તાયફાઓ કરવામાં આવે છે. જીએસટીનો પેટ્રોલ – ડિઝલ ઉપર અમલ નહીં કરનાર ભાજપ સરકારે ગુજરાતમાં જીએસટી લાગુ થયો ત્યારથી જ વેટ કેમ ના ઘટાડ્યો ? ભાજપ પ્રજાને બે – ત્રણ રૂપિયાની લોલીપોપ આપી વિકાસને ગુમરાહ કરવા માંગે છે. પરંતુ નવસર્જન માટે મન બનાવી લેનાર ગુજરાતની પ્રજા હવે છેતરાશે નહીં. જેમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો પેટ્રોલ – ડિઝલ ઉપરથી વેટ સંપૂર્ણ નાબુદ કરી મોંઘવારી અને ભાવ વધારો કાબુમાં લેવાનું પ્રથમ પગલું ભરશે.

ડૉ. હિમાંશુ પટેલ

પ્રવક્તા,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ